નવી દિલ્હી: ભારતની યુવા મહિલા દોડવીર હિમા દાસે I.A.A.F વર્લ્ડ અન્ડર-20 એથ્લેટિકસ ચેમ્પિયનશીપમાં 400 મીટરની દોડમાં સુવર્ણ ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે.

આસામ નિવાસી હિમા દાસ વર્લ્ડ ટ્રેક ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારી પહેલી ભારતીય એથ્લેટ છે. વર્લ્ડ જૂનિયર ચેમ્પિયનશીપમાં આ પહેલા સીમા પૂણિયાએ 2002માં ડિસ્કસ થ્રોમાં કાંસ્ય ચંદ્રક, નવજીત કૌર ઢિલ્લોએ 2014માં ડિસ્કસ થ્રોમાં કાંસ્ય ચંદ્રક જીત્યા હતા.

આવી સિધ્ધિ તો ભારતના મોટાભાગના મહાન ખિલાડીને પણ નથી મળી. હિમા દાસ હવે જવેલિયન થ્રોઅર નિરજ ચોપરાની એલિટ કલબમાં સામેલ થઇ છે હિમા દાસની આ શાનદાર સિધ્ધિ બદલ વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને ખેલ મંત્રીએ ટિવટ કરીને અભિનંદન પાઠવ્યા છે.

18 વર્ષીય હિમા દાસ 400 મીટરના ફાઇનલમાં 51.46 સેકન્ડના સમય સાથે પહેલા સ્થાને રહી હતી. સેમિ ફાઇનલમાં તેનો સમય 52.10 સેકન્ડ રહયો હતો.હિમા દાસ ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં 51.32 સેકેન્ડના સમય સાથે છઠ્ઠા સ્થાને રહી હતી.

હાલમાં જ રાષ્ટ્રીયકક્ષાની એથ્લેટિકસ સ્પર્ધામાં હિમા દાસે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને 400 મીટરની દોડ 51.13 સેકન્ડમાં પૂરી કરી હતી.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*