• 26/11ના મુંબઈ હુમલામાં અશોક કપૂરનું મોત થયું હતું, જેમણે 2004માં રાણા કપૂરના સહયોગથી બેંકની શરૂઆત કરી હતી
  • તે પછી બેંકની માલિકી અંગે અશોક કપૂરની પત્ની મધુ કપૂર અને રાણા કપૂર વચ્ચે લડાઈ શરૂ થઈ.
  • બેંકની દેશભરમાં 1000થી વધુ શાખાઓ અને 1800 એટીએમ છે, બેંક ખાસ સુવિધાઓ પણ પ્રદાન કરે છે.

યસ બેન્ક જે એક સમયે બેંકના ગ્રાહકો માટે પ્રિય હતી તે હવે ડૂબવાની દિશામાં છે. એક એવી બેંક કે જે સરેરાશ વ્યાજથી વધુ ચૂકવણી કરવા માટે જાણીતી હતી. તેના ખૂબ જ ખરાબ દિવસો ચાલી રહ્યા છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે મહિનાઓથી તેને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બેંકના શેર સતત ઘટી રહ્યા છે, આજના સત્રમાં તે 50%ની નીચે ટ્રેડ કરી રહ્યું છે. એસબીઆઈ હવે તેને બચાવવા આગળ આવ્યું છે, પરંતુ બેંકોની દુનિયામાં આ ચમકતો તારો કેવી રીતે ખરી પડ્યો જાણો તેની આખી સ્ટોરી.

બેંક ડૂબવાની શરૂઆત રાણા કપૂરના પરિવારના પરસ્પર વિરોધાભાસથી થઇ છે. પણ તેની પેહલા એ જાણવું પડશે કે આ બેંક ક્યારે અને કેવી રીતે શરૂ થઈ.

યસ બેંક ક્યારે બની?

યસ બેન્ક બહુ જૂની નથી. 2004માં રાણા કપૂરે આ બેંકની શરૂઆત તેના સંબંધી અશોક કપૂર સાથે કરી હતી. 26/11ના મુંબઇ હુમલામાં અશોક કપૂરનું મોત નીપજ્યું હતું, ત્યારબાદ બેંકની માલિકી અંગે અશોક કપૂરની પત્ની મધુ કપૂર અને રાણા કપૂર વચ્ચે લડાઈ શરુ થઈ હતી. મધુને તેની પુત્રી માટે બોર્ડમાં સ્થાન જોતું હતું. સ્થાપનાના 4 વર્ષ પછી જ કૌટુંબિક ઝઘડો ધંધામાં પ્રવેશી ગયો અને આજે ધંધાના પતન સુધી આવી ગયો.

ભારતમાં યસ બેંકની કેટલી શાખાઓ છે?

દેશની ચોથી મોટી ખાનગી બેંક યસ બેંકની આખા દેશમાં હાજરી છે. તેનું મુખ્ય મથક મુંબઇમાં છે. બેંકનું નેટવર્ક ખૂબ મોટું છે. દેશભરમાં તેની 1000થી વધુ શાખાઓ અને 1800 એટીએમ છે. યસ બેંકમાં મહિલાઓની વિશેષ શાખા પણ છે, જે ‘યસ ગ્રેસ બ્રાંચ’ના નામથી ચાલે છે. આમાં મહિલાઓ માટે વિશેષ ઓફર છે. આ ઉપરાંત દેશમાં 30થી વધુ ‘યસ SME’ બ્રાંચ પણ છે જે SMEની વિશેષ સેવાઓ પૂરી પાડે છે.

નાણાં મંત્રાલયનું પરિપત્ર શું કહે છે?

નાણાં મંત્રાલય દ્વારા ગુરુવારે (5 માર્ચ 2020) સાંજે 6 થી 3 એપ્રિલ સુધી બેંકના ડિપોઝીટર્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ બેંકના વ્યવસાય પર ઉપાડની મર્યાદા સહિત અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. આ સમગ્ર સમયગાળા દરમિયાન ખાતાધારકો 50,000 રૂપિયાથી વધુ ઉપાડી શકશે નહીં. જો કોઈ ખાતાધારક પાસે આ બેંકમાં એકથી વધુ ખાતા છે તો પણ તે કુલ માત્ર 50 હજાર રૂપિયા જ ઉપાડી શકે છે. આ સૂચના રિઝર્વ બેંકની અરજી પર જારી કરવામાં આવી હતી. જાહેરનામામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ ખાતાધારકે બેંક પાસેથી લોન લીધી હોય અથવા બેંક પર તેની જવાબદારી હોય, તો તે રકમ કાપ્યા પછી જ પૈસા આપવામાં આવશે.

રિઝર્વ બેંકે શું કહ્યું?

આરબીઆઈએ ગુરુવારે યસ બેંકના ડિરેક્ટર બોર્ડને ભંગ કર્યું અને નવા સંચાલકની નિમણૂક કરી. કેન્દ્રીય બેંકે બેંકના ગ્રાહકો માટે ઉપાડની મર્યાદા આગામી ઓર્ડર સુધી 50,000 રૂપિયાની  નક્કી કરી છે.

યસ બેંક સંકટ પાછળના કારણો શું છે?

પારિવારિક કારણો

2011માં અશોક કપૂરના અવસાન બાદ કપૂર પરિવારમાં ઝગડો શરુ થઇ ગયો. અશોકની પત્ની મધુ તેની પુત્રી શગુનને બેંકના બોર્ડમાં સામેલ કરવા માંગતી હતી, આ કેસ મુંબઈની કોર્ટમાં પણ પહોંચ્યો હતો, જેમાં રાણા કપૂરે જીત મેળવી હતી. ટૂંકા સમય માટે ઝગડાનો અંત આવ્યો અને રણવીર ગિલને બેંકના એમડી નિયુક્ત કરવામાં આવ્યા. આ સમયગાળા દરમિયાન કોર્પોરેટ ગવર્નન્સના કેસો પ્રકાશમાં આવ્યા હતા અને બેંક દેવામાં ડૂબી ગઈ હતી. ધીરે ધીરે સમય બદલાયો અને પ્રમોટરોએ તેમનો હિસ્સો વેચવાનું શરૂ કર્યું.

રાણા કપૂરે શેર વેચવા પડ્યા હતા

રાણા કપૂર બેંકમાં તેના શેરોને ડાયમંડ તરીકે વર્ણવતા હતા અને ક્યારેય વેચવા માંગતા નહોતા. પરંતુ ઓક્ટોમ્બર 2019માં નૌબત એવા સ્થાને પહોંચી કે રાણા કપૂર અને તેના જૂથનો હિસ્સો ઘટીને 4.72 થઈ ગયો. 3 ઓક્ટોમ્બરના રોજ જૂથ અધ્યક્ષ રજત મુંગાએ રાજીનામું આપ્યું અને તેમણે સપ્ટેમ્બરમાં તેમનો હિસ્સો વેચી દીધો.

કોર્પોરેટ ગ્રાહકોએ ડુબાડ્યું

યસ બેન્કના ગ્રાહકોની સૂચિમાં રિટેલ કરતાં વધુ કોર્પોરેટ ગ્રાહકો છે. યસ બેંકે આપેલી લોનમાં મોટાભાગની કંપનીઓ ખોટમાં છે. કંપનીઓ નાદારીના આરે છે, તેથી લોન પરત મેળવવાની શક્યતા ઓછી છે.

એક બાદ એક યસ બેંકને લાગ્યા ઝટકા

રાણા કપૂરને પદ પરથી હટાવવામાં આવ્યા : યસ બેંકનું સંકટ વધુ ખરાબ થવા લાગ્યું જ્યારે બેંકના સહ-સ્થાપક રાણા કપૂરને પદ પરથી હટાવવામાં આવ્યા. રિઝર્વ બેંકે કહ્યું કે તે બેલેન્સશીટની સાચી માહિતી આપી રહ્યા નથી. 31 જાન્યુઆરીએ તેમને પદ છોડવાનું કહેવામાં આવ્યું હતું.

યસ બેંક પર દંડ: આરબીઆઈએ બેંક પર 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે બેંક મેસેજિંગ સોફ્ટવેર સ્વિફ્ટના નિયમોનું પાલન નથી કરી રહ્યું. આ સોફ્ટવેરનો ઉપયોગ બેંકના વ્યવહારો માટે થાય છે.

રેટિંગસ ઘટવા કાગી : બેંક QIBs દ્વારા ભંડોળ ઉભું કરવાના લક્ષ્ય સુધી પહોંચી શક્યું નહીં. ઓગસ્ટ 2019માં યસ બેન્ક રેટિંગ્સ ડાઉનગ્રેડ થઈ અને મોટાભાગની રેટિંગ એજન્સીઓએ રેટ ઘટાડ્યા જેનાથી માર્કેટમાં નકારાત્મક સંકેતો પહોચ્યા હતા.

માર્કેટ કેપમાં ઘટાડો : જ્યાં સપ્ટેમ્બર 2018માં યસ બેન્કની માર્કેટ કેપ આશરે 80 હજાર કરોડ હતી, તેમાં 90%થી વધુ ઘટાડો થયો હતો. ઓગસ્ટ 2018માં બેંકના શેરનો ભાવ આશરે 400 રૂપિયા હતો, જે હાલમાં 18 રૂપિયાની આસપાસ છે. આજે બેંકના શેર 50%ની નીચે વેપાર કરી રહ્યા છે.

હવે આરબીઆઈ શું કરશે?

તમામ પ્રતિબંધો વચ્ચે આરબીઆઈ હવે યસ બેંકના ખાતાઓની સંપત્તિ ગુણવત્તાની આકારણી કરશે અને પછી નિર્ણય લેશે કે આગળ શું કરી શકાય. એવી અપેક્ષા છે કે 30 દિવસની અંદર દેશની ચોથી સૌથી મોટી ખાનગી બેંકનું મર્જર અથવા ટેકઓવર નક્કી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*