શિવસેનાના પ્રવક્તા અને મહારાષ્ટ્રમાં રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે  ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી પર અન્ડરવર્લ્ડ ડોન હાજી મસ્તાન અને કરીમ લાલાને મળવાનો આરોપ લગાવ્યો છે. જેનાથી રાજકારણ ગરમાયું છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ મિલિંદ દેવડાએ શિવસેનાના નેતા પાસેથી તેમના નિવેદન પરત ખેંચવાની માંગ કરી છે.

સંજય રાઉતે શું કહ્યું?

મુંબઇના એક કાર્યક્રમમાં પોતાના પત્રકારત્વના અનુભવો શેર કરતાં રાઉતે કહ્યું કે 1960ની શરૂઆતથી 1980ના શરૂઆતમાં મુંબઇના અન્ડરવર્લ્ડ ડોન કરિમ લાલા, મસ્તાન મિર્ઝા ઉર્ફે હાજી મસ્તાન અને વરદરાજન મુદલૈર એમ ત્રણ ડોન હતા. તેઓ નક્કી કરતા હતા કે મુંબઈ પોલીસ કમિશનર કોણ રહેશે અને રાજ્ય સચિવાલયમાં કોણ બેસશે. જ્યારે હાજી મસ્તાન મંત્રાલયમાં આવતા ત્યારે આખું સચિવાલય તેમને જોવા માટે કામ છોડી દેતો અને નીચે આવતા. ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી દક્ષિણ મુંબઈના પાયધોનીમાં કરીમ લાલાને મળતા હતા.

દાઉદ સાથે મુલાકાત

એક ચોંકાવનારો ખુલાસો કરતા રાઉતે કહ્યું કે મેં 1993માં થયેલા મુંબઈ સિરિયલ બ્લાસ્ટના મુખ્ય આરોપી દાઉદ ઇબ્રાહિમને પણ મળ્યો હતો અને તેના પર આરોપ લગાવ્યો હતો. અમે તે સમયનો અન્ડરવર્લ્ડ જોયો છે. હવે તો ફક્ત ચિલ્લર જ રહી ગયા છે.

રાજકીય હંગામો બાદ આપવામાં આવી સ્પષ્ટતા

શિવસેનાના નેતા સંજય રાઉતે ઈન્દિરા ગાંધી વિશે આપેલા નિવેદનની જાણકારી આપતા કહ્યું કે જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધીનું હંમેશાં આદર કરવામાં આવ્યું છે. જ્યાં સુધી કરીમ લાલાની વાત છે, તે પઠાણોના નેતા તરીકે જાણીતા હતા. તેથી અન્ય નેતાઓ તેમને મળતા. તેમણે કહ્યું, ‘મેં હંમેશા ઈંદિરા ગાંધી, પંડિત નહેરુ, રાજીવ ગાંધી અને ગાંધી પરિવાર પ્રત્યે આદર બતાવ્યો છે. જ્યારે પણ લોકોએ ઈન્દિરા ગાંધીને નિશાન બનાવ્યા ત્યારે હું તેમના માટે ઉભો રહ્યો છુ. ઘણા રાજકીય લોકો કરીમ લાલાની મુલાકાત લેતા. તે સમયે સમય અલગ હતો. તે પઠાણ સમુદાયનો નેતા હતો, તે અફઘાનિસ્તાનથી આવ્યો હતો. તેથી જ લોકો તેમની સમસ્યાઓ સાથે પઠાણ સમુદાયને મળતા.

દેવડાએ રાઉતને નિવેદન પાછુ ખેંચવાનું કહ્યું

કોંગ્રેસ નેતા મિલિંદ દેવડાએ કહ્યું કે, ‘ઈન્દિરા જી એક સાચા દેશભક્ત હતા જેમણે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અંગે ક્યારેય સમજોતા કર્યા નથી. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે હું સંજય રાઉતને નિવેદન પાછું લેવાની માંગ કરું છું. ભૂતપૂર્વ પ્રધાનોના વારસો વિશે નિવેદન આપતા પહેલા રાજકારણીઓએ સંયમ રાખવો જોઇએ.

રાઉતના નિવેદન પર કોંગ્રેસે પુરાવા માંગ્યા

સંજય રાઉતના નિવેદન પર કોંગ્રેસના કોઈ વરિષ્ઠ નેતાએ કોઈ ટિપ્પણી કરી નથી. પરંતુ કોંગ્રેસના પ્રવક્તા ચરણસિંહ સપ્રાએ કહ્યું, ‘રાઉતે જે કહ્યું છે તેનો તે પુરાવો આપે. અમે આ વિધાનને યોગ્ય તરીકે સ્વીકારતા નથી’.

કોણ હતું અન્ડરવર્લ્ડ ડોન કરીમ લાલા

અન્ડરવર્લ્ડ ડોન કરીમ લાલાનું પૂરું નામ અબ્દુલ કરીમ શેર ખાન હતું. તેનો જન્મ અફઘાનિસ્તાનમાં થયો હતો. તે 1930માં મુંબઇ આવ્યો હતો. 1960 થી 1980 દરમિયાન લાલા મુંબઇમાં અંડરવર્લ્ડનું એક મોટું નામ હતું. તેમણે દેશની આર્થિક રાજધાનીમાં સોના, ચાંદી અને શસ્ત્રોની દાણચોરી કરી હતી.

કોણ હતું અન્ડરવર્લ્ડ ડોન હાજી મસ્તાન

હાજી મસ્તાન તમિળનાડુનો રહેવાસી હતો. આઠ વર્ષની ઉંમરે તે મુંબઈ આવ્યો હતો. તેમણે સૌ પ્રથમ સાયકલની દુકાન ખોલી અને ત્યારબાદ 1944માં ગોદીમાં કુલી બન્યા. તેણે ગોદી પર જ દાણચોરી શરૂ કરી હતી. તેણે સોનાના બિસ્કીટ, ફિલિપ્સના ટ્રાંઝિસ્ટર અને વિદેશી બ્રાન્ડેડ ઘડિયાળની દાણચોરી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*