‘.. કે સપનાઓ મારા હસતા ખોવાયા છે..
મારી તલાશ છે એમને, રસ્તા ખોવાયા છે..!’

જિંદગી બદલાઈ છે. ઝડપી બની છે. માણસ હરણફાળ ભાગવા માંડ્યો છે. ને આ જ ભાગદોડમાં પાછળ રહી જાય છે- સપના! જીવનમાં પોતાની મરજી મુજબનું કામ કરવાની વાત! સંબંધોની સાચવણી, ને ચિંતામુક્ત દિન-રાત! ફિલ્મ ધૂનકી આ બધા મુદ્દા પર ખુબ જ સરસ રીતે વાત કરે છે.

અનીશ શાહ અને કુલદીપ પટેલ દ્વારા લિખિત આ ફિલ્મનો હીરો- નિકુંજ, આઈ.ટી. કંપની છોડીને કૂકિંગનું સ્ટાર્ટ-અપ શરૂ કરે છે. જેને સાથ આપે છે એની ફ્રેન્ડ શ્રેયા. પણ નવો બિઝનેસ જૂની રહેણી-કરણીને કેવી અસર પહોંચાડે છે, ને એનાથી બંનેના અંગત જીવનમાં શું બદલાવ આવે છે, એ જાણવા માણી આવો – ધૂનકી!

પ્રતીક ગાંધીએ નિકુંજના પાત્રમાં એકદમ સહજ અભિનય કર્યો છે. દીક્ષા જોશી પણ શ્રેયાના પાત્રમાં જામે છે. વિશાલ શાહ એક રિયાલિસ્ટિક એન્ગ્રી યંગ મેન તરીકે અને કૌશમ્બી ભટ્ટ સમજુ અને પ્રેકટીકલ વાઈફ તરીકે છાપ છોડે છે. બધા જ કલાકારોએ ફિલ્મના હાર્દને સમજીને અનુરૂપ એકટિંગ કરી બતાવી છે. જેથી ફિલ્મમાં કોમિક એલિમેન્ટ્સ ન હોવા છતાંય, વાર્તામાં આપણું ધ્યાન જળવાઈ રહે છે. અન્ય પાત્રોમાં અર્ચન ત્રિવેદી, નિસર્ગ ત્રિવેદી અને રુહાન જેવા અભિનેતાઓ ટોટલી સપોર્ટિન્ગ છે. ને મજાની વાત એ પણ, કે ફિલ્મમાં આવતી વિવિધ વાનગીઓ પણ સહ-કલાકારની જેમ જ છે!

મજબૂત પાસું – સંગીત! સૌથી વધુ ગમેલ ગીતની 2 કડીઓ પહેલાં જ લખી -‘રસ્તા ખોવાયા’. સિદ્ધાર્થ અમિત ભાવસારની ધૂન અને નિરેન ભટ્ટના બોલ! ‘નઝમ નવી બનાવે છે’- જિગરદાન ગઢવીના અવાજે, આ ચોમાસામાં ઉપલબ્ધ, કાન માટેની અચૂક માણવાલાયક વાનગી! ‘નવું આ સપનું’ અને ‘ધૂનકી’ પણ કર્ણપ્રિય છે. તમામ ગીતો લાંબી રેસના ઘોડા સાબિત થશે!

ફિલ્મની પેસ સ્લો ખરી, પણ જેમ જેમ એનો કોળિયો ચાવતા જઇયે, એમ એમ એનો રસ પણ આપણને મળતો રહે છે. વાર્તાને અનુરૂપ વાસ્તવિકતા દર્શાવવામાં નિર્દેશક અનીશ શાહ સફળ થાય છે. આમ તો હળવી-ફૂલ જ છે, પણ અમુકને કોમેડીના અભાવે જરા ભારે લાગી શકે. પણ એક વાર માણવા જેવી તો ખરી.

જો વાત કરું કે શું ન ગમ્યું, તો કેટલીક જગ્યાએ બિનજરૂરી કલોઝ-અપ લાગ્યા. એના લીધે ઘણી વાર સીન બિલ્ડ-અપ થતાં પહેલા જ બેસી જાય છે. એડિટિંગ થોડું નબળું લાગ્યું.

ને સૌથી વધુ ગમ્યું હોય, એ છે કલાઇમૅક્સ! ધેટ સ્માઈલ, ધેટ લૂક અને ધેટ ‘તો !?’… સિમ્પલી સુપર્બ! ગુજરાતી ફિલ્મોમાં આ પ્રકારના એન્ડની શરૂઆત કરવા બદલ ખૂબ અભિનંદન! એ વખતે, સ્તબ્ધતા શું- એની ઝલક પોતાનામાં જોવા મળી. ને ‘નવી નઝમ’ લઈને બહાર આવ્યા!

અંતે, અરમાનોને આંખોમાં વસાવતા શીખો, ને પોતાના સપના સુધી પહોચતા રસ્તા શોધો! ને પછી જુઓ, તમારા જીવનની ધૂનકી જળવાઈ રહેશે.

  • મૌલીન પરમાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*