‘અલવિદા’.. – ડાયરીમાં લખી રહ્યો હતો હું ટ્રેઈનની એક બર્થ પર બેસીને. બારીમાંથી બહાર જોવાતું નહોતું, કેમ! કારણ- હાથ હલાવતાં લોકો દેખાતા હતાં જ, કે ફક્ત દેખાતા હતાં- એ કહેવું અઘરું છે. મેં મન મક્કમ કરીને ફેંસલો લીધેલો! સુટકેસમાં સમાય એટલી યાદો ભરીને બીજા શહેર જઇ રહેલો…

‘પ્રથમ’ સાથે જોડાયેલ તમામ કાર્ય આ શહેરમાં જ કર્યાં. કાગળની હોડી ને કાગળનો પત્ર આ શહેરે જ શિખવ્યો.. મારા યાર, એમની દોસ્તી, ને કેટલીય મસ્તી; મારું જૂનું ઘર ને ત્યાંની મોટી અગાશી; દાંત તૂટવાથી લઇ દિલ તૂટવા સુધીનું રૂદન અહીંની જ ધરાએ સાંભળ્યું; ને અહીંના જ આભે હદપારનું વ્હાલ કર્યું! રસ્તાઓ પર રખડેલ રાતો, ને દિવસની ધગધગતી સડકો પર લટારો, ગણી શકાય એય શક્ય નહોતી. ને એવામાં એ છતો કેમની ભુલાય, જ્યાં પથારીમાં પડ્યા-પડ્યા તારાઓ ગણી કાઢેલા… મારું શહેર પાછળ છૂટી રહ્યું હતું. આંખોમાં એ તરફના અંતરનું ધુમ્મસ વધી રહેલું. એક ચેહરો સામે આવીને ધૂંધળો થઈ ગયો…

ટ્રેઈન અને નવા શહેરની દિશા એક હતી. બસ, પાટા પાછા જઇ રહેલા.. પાછા! મારે એમને એક પ્રશ્ન પૂછવો હતો,
પણ એ ચાલ્યા ગયા.. ને પ્રશ્ન રહી ગયો ડાયરીમાં જ…

શું માણસ શહેર છોડી શકતો હોય છે?

સ્ટોરી બાય – મૌલિન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*