દેશમાં લોકડાઉનને કારણે અન્ય રાજ્યોમાં ફસાયેલા પરપ્રાંતિય મજૂરો સતત અકસ્માતોનો ભોગ બની રહ્યા છે. કોઈક રીતે પોતાના ઘરે પરત ફરતા કામદારો અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ક્યાંક વાહનોમાં સવાર કામદારો અકસ્માતનો ભોગ બની રહ્યા છે, તો બીજી તરફ પગપાળા વતન તરફ ફરતા લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આવા સમયે જ્યારે રસ્તાઓ પર ટ્રાફિક ઓછો હોય છે છતાં માર્ગ અકસ્માતો સતત સામે આવી રહ્યા છે.

છેલ્લા આઠ દિવસમાં માર્ગ અકસ્માતમાં 70થી વધુ મજૂરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આજે કામદારો સાથે બે મોટા અકસ્માત થયા છે. પહેલી ઘટના યુપીના ઔરૈયામાં જેમાં 24 શ્રમિકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને બીજી ઘટના મધ્યપ્રદેશના સાગરમાં બની હતી જેમાં 5 મજુરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રેલ દુર્ઘટના બાદ કામદારો સાથેના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યા. આ અકસ્માતો સતત વધી રહ્યા છે.

યુપીમાં ટ્રક અને ડીસીએમની ટક્કરમાં 24 કામદારોનાં મોત

યુપીના ઔરૈયા જિલ્લામાં શનિવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. દિલ્હી-કોલકત્તા હાઇવે પાસે ચા પીવા ઉભા રહેલા મજૂરોથી ભરેલા ડીસીએમ સાથે ટ્રક અથડાયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 24 લોકોનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે 22 લોકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગંભીર હાલતને કારણે 15 લોકોને સૈફાઇ રિફર કરવામાં આવ્યા છે.

મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં માર્ગ અકસ્માતમાં 5 મોત

મધ્યપ્રદેશના સાગર જિલ્લાના બાંડા નજીક શનિવારે માર્ગ અકસ્માતમાં 5 પરપ્રાંતિય મજૂરોના મોત નીપજ્યા છે. એવું જાણવા મળ્યું છે કે પરપ્રાંતિય મજૂરોને લઈને ભરેલી ટ્રક માર્ગમાં પલટી ગઈ હતી, જેના કારણે પાંચ મજૂરોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. એએસપી પ્રવીણ ભુરિયાએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે આ કામદારો મહારાષ્ટ્રથી ઉત્તર પ્રદેશ જઈ રહ્યા હતા.

મધ્યપ્રદેશમાં ત્રણ મજૂરોનાં મોત

શુક્રવારે મધ્યપ્રદેશના એબી રોડ બાયપાસ ઉપરથી મુંબઇથી આવતા મજુરો વાહન અકસ્માતનો ભોગ બન્યા હતા. મજુરોના વાહનને પાછળથી આવી રહેલી ટ્રકે ટક્કર મારી હતી. આ ઘટનામાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે 14 લોકો ઘાયલ થયા હતા. આ બધા લોકો યુપીના ગાઝીપુર જિલ્લા હેઠળ આવતા જોનપુર ગામના રહેવાસી હતા.

ગુરુવારે મધ્યપ્રદેશમાં માર્ગ અકસ્માતમાં આઠ મજૂરનાં મોત

ગુરુવારે મધ્યપ્રદેશના ગુનામાં ટ્રક અને બસ અકસ્માતમાં આઠ કામદારોનાં મોત નીપજ્યાં હતાં અને આશરે 50 લોકો ઘાયલ થયાં હતાં. ઇજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મૃતક તમામ કામદારો મહારાષ્ટ્રથી તેમના વતન બિહાર અને ઉત્તર પ્રદેશ જઈ રહ્યા હતા. પરપ્રાંતિય મજૂરો મહારાષ્ટ્રની બસ દ્વારા ઉત્તરપ્રદેશ જઇ રહ્યા હતા.

મુઝફ્ફરનગરમાં માર્ગ અકસ્માતમાં 6 કામદારોનાં મોત

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં બુધવારે મોડી રાત્રે ખાલૌલી ચેકપોસ્ટ અને રોહના ટોલ પ્લાઝા નજીક એક રોડવે બસએ કામદારોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં છ કામદારોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આમાંથી બે ઇજાગ્રસ્તોને મેરઠ રિફર કરાયા હતા. બધા કામદારો પંજાબથી પગપાળા પરત ફરી રહ્યા હતા. મૃતકો અને ઘાયલ મજૂરો બિહાર પ્રાંતના ગોપાલગંજ જિલ્લાના હતા.

બિહારમાં બે મજૂરનાં મોત, 12 ઘાયલ

બિહારના સમસ્તીપુરના શંકર ચોકમાં ગુરુવારે સવારે એક બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બે મજૂરોના મોત થયા હતા અને 12 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બસ મુઝફ્ફરપુરથી કતિહાર તરફ જઇ રહી હતી અને તેમાં 32 સ્થળાંતર મજૂરો હાજર હતા.

તેલંગાણામાં ચાર મજૂરોનાં મોત

12 મેના રોજ તેલંગાણાના રંગરેડ્ડી જિલ્લાથી ઝારખંડના પરત ફરી રહેલા 21 મજૂરોને એક માર્ગ અકસ્માત નડ્યો હતો જેમાં 4 શ્રમિકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા અને 17 લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાંથી ત્રણ ગઢવા જિલ્લાના હતા, જ્યારે એક યુપીનો હતો.

ઘાયલ કામદારોએ જણાવ્યું હતું કે 11 મેના રોજ પગપાળા 21 મજૂર નીકળ્યા હતા. આ લોકો જુદી જુદી સવારીથી નાગપુર હાઇવે પર પહોંચ્યા હતા. ત્યાંથી કોઈ વાહન ન મળતા તેઓ પગપાળા ચાલવા વતન તરફ નીકળ્યા હતા.

મધ્યપ્રદેશલો નરસિંહપુરમાં પાંચ મજૂરોના મોત

9 મેના રોજ મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લામાં માર્ગ અકસ્માતમાં પાંચ મજૂરોના મોત નીપજ્યા હતા. નેશનલ હાઇવે-44 પર પાથા નજીક ટ્રક પલટી ગઈ હતી. આ ટ્રકમાં 20 કામદારો બેઠા હતા. આ અકસ્માતમાં પાંચ મજૂરોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 13 ઘાયલ થયા હતા.

ઔરંગાબાદમાં 16 મજૂરો રેલવે નીચે કચડાઈ ગયા

8 મેના રોજ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં ગુડ્સ ટ્રેન નીચે આવી જતા 16 પરપ્રાંતિય મજૂરોના મોત નીપજ્યા હતા. જલનાથી ભુસાવલ જતા કામદારો મધ્યપ્રદેશ પરત ફરી રહ્યા હતા. તેઓ થાકના લીધે રેલવેના પાટા સાથે ચાલતા હતા અને પાટા પર સૂઈ ગયા હતા. સવારે પાંચ વાગ્યે ટ્રેને તેમને કચડી નાખ્યા હતા.

5 મેના રોજ આ તમામ મજૂરોએ જલનાથી પોતાની યાત્રા શરૂ કરી હતી. પહેલા આ બધા રસ્તા ચાલીને મધ્યપ્રદેશ જતા હતા પરંતુ ઔરંગાબાદ પહોંચ્યા પછી તેઓ રેલ્વે ટ્રેકની નજીક ચાલવા લાગ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*