રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ ગુરુવારે નાણાકીય સંકટનો સામનો કરી રહેલી યસ બેન્ક પર પૈસા નીકાળવાની મર્યાદા નિર્ધારિત કરી છે. RBIએ યસ બેંકના ડિરેક્ટર બોર્ડના અધિકારીઓ પર રોક લગાવી દીધી છે અને SBIના ભૂતપૂર્વ ડીએમડી અને સીએફઓ પ્રશાંત કુમારની પણ એક મહિના માટે એડમિનિસ્ટ્રેટર તરીકે નિમણૂક કરી છે. આ પછી યસ બેંકના ગ્રાહકોને ATM માંથી પૈસા ઉપાડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લાંબી લાઈનોમાં ઉભેલા ગ્રાહકોને મશીનો બંધ જોવા મળ્યા હતા અને એટીએમ સર્વર ડાઉન હતું. અને યસ બેન્કના ગ્રાહકો માટે ઇન્ટરનેટ બેન્કિંગ સિસ્ટમ દ્વારા નાણાં ટ્રાન્સફર કરવામાં પણ અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો.

જો તમારું પણ યસ બેંકમાં ખાતું છે, તો પછી તમારા મનમાં ઉઠતા સવાલનો જવાબ અહીં જાણો.

ખાતાધારકો બેંકમાંથી કેટલા પૈસા ઉપાડી શકશે?

આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલ માર્ગદર્શિકા અનુસાર એક મહિના દરમિયાન યસ બેંકમાં બચત, ચાલુ અથવા અન્ય કોઈ ડિપોઝિટ એકાઉન્ટમાંથી રૂ.50,000 થી વધુ ઉપાડી શકાશે નહીં.

પૈસા ઉપાડવાની કોઈ છેલ્લી તારીખ છે?

હા બેંક ખાતાધારકો 3 એપ્રિલ, 2020 સુધીમાં 50,000 રૂપિયા ઉપાડી શકશે.

ખાસ સંજોગો માટે ઉપાડની મર્યાદા કેટલી છે?

અભ્યાસ, સારવાર, લગ્ન અથવા અન્ય કોઈ ખાસ સંજોગોમાં RBI દ્વારા પૈસા ઉપાડવાની થોડી છૂટ છે. આવી સ્થિતિમાં ગ્રાહકો પાંચ લાખ રૂપિયા સુધી ઉપાડી શકશે.

બેંકમાં એક કરતા વધારે ખાતા ધારકની ઉપાડ મર્યાદા કેટલી?

જો કોઈ ખાતાધારકનું યસ બેંકમાં એકથી વધુ ખાતા છે, તો પણ તે 50,000થી વધુ ઉપાડી શકશે નહીં.

ઇન્ટરનેટ બેંકિંગ સિસ્ટમ દ્વારા ઉપાડની મર્યાદા કેટલી છે?

આરબીઆઈના જણાવ્યા અનુસાર ગ્રાહકો ઇન્ટરનેટ બેંકિંગ સિસ્ટમ દ્વારા ફક્ત 50,000 રૂપિયા જ ઉપાડી શકે છે. ગ્રાહકોને ફક્ત ખાસ સંજોગોમાં વધુ પૈસા ઉપાડવાની છૂટ છે.

યસ બેંકમાં ખાતાધારકોના પૈસા સુરક્ષિત છે?

આરબીઆઈએ તેની સૂચનામાં કહ્યું છે કે ખાતા ધારકોને ગભરાવાની જરૂર નથી. ટૂંક સમયમાં બેંક માટે પુનર્ગઠન યોજના રજૂ કરવામાં આવશે અને ગ્રાહકોના નાણાં સુરક્ષિત કરવામાં આવશે. તેનો અર્થ એ કે ગ્રાહકોના નાણાં તેમની જોડે જ છે.

આરબીઆઈની કાર્યવાહીથી ગ્રાહકોને કેવી રીતે ફાયદો થશે?

આરબીઆઈ દ્વારા લેવામાં આવેલા પગલાથી બેંકની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. અને ગ્રાહકો પહેલાની જેમ ટ્રાંઝેક્શન કરી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*